MatterMngt
Welcome, Guest (Please Register/Login)
Login Register Contact Us
 

History

‌‍‌‍II सर्वजन हिताय सर्वजन सुखाय ‌‍‌‍II

 

પ્રથમ દ્રષ્ટીએ – શ્રી બત્રીસી જૈન સમાજ

 

          આદિકાળથી પ્રવર્તમાન જૈન આધ્યાત્મિક માર્ગ જૈન ધર્મ તરીકે ઓળખાય છે. ૨૫૦૦ વર્ષ પૂર્વેથી પરમાત્મા શ્રી મહાવીર દર્શિત જીવનશૈલી પાળતો વર્ગ જૈન સમાજ તરીકે ઓળખાય છે. જૈન સમાજ સમગ્ર ભારતમાં ફેલાયેલ છે અને હવે વિશ્વના બહુધા દેશોમાં વિસ્તરેલ છે. રોજી, રોટી અને ધર્મ- પરિવારના સંરક્ષણ કાજે માનવી અને સમાજ એક પ્રદેશથી અન્ય પ્રદેશ સ્થળાંતર કરતો રહે છે અને દસકા સૈકાઓ બાદ કોઈ એક પ્રદેશમાં ઠરીઠામ થાય છે. આ પ્રકારે મૂળ રાજસ્થાનના ગામોમાંથી ૬૦૦- ૮૦૦ વર્ષ પૂર્વેના સમયગાળા દરમ્યાન રાજનગર અમદાવાદ શહેર અને તેની આસપાસ ધંધા- રોજગાર વસવાટ માટે સ્થિર થવાનો ક્રમ શરૂ થયેલ. આ જૈન ધર્માંવલંબીઓ સંજોગોવસાત મોટા જ્ઞાતિ સમૂહમાંથી વિભાજીત થતા  કાળક્રમે આશરે 200 વર્ષ પૂર્વે “શ્રી બત્રીસી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક દશા શ્રીમાળી જ્ઞાતિ ઘોળ”  નામની જ્ઞાતિ રૂપે સંગઠિત થયા હતા. બત્રીસી જૈન સમુદાયના સભ્યો જૂના અમદાવાદ શહેરના આસપાસના દસક્રોઈ, સીટી, કલોલ, દહેગામ તાલુકાની હદમાં વસેલા ગામોમાં રહેતા હતા. જે ગામો પૈકી બહુધા ગામો હવે અમદાવાદ-ગાંધીનગરના જોડિયા (ટ્વીન સીટી) શહેરોના ભાગરૂપ બની ગયેલ છે.


        અખંડ ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી છોડાવવાની ચળવળ અને  દેશદાઝથી પ્રેરિત શ્રી બત્રીસી જૈન સમાજના તત્કાલીન આગેવાનોએ પ્રગતિશીલ સમાજ રચવાનો પાયો નાખી ઉપકારી કાર્ય કરેલ. તે મહાનુભાવોએ 10 ઓક્ટોબર, 1 9 44 ના રોજ શ્રી બત્રીસી જૈન કો-ઑપરેટિવ એજ્યુકેશન સોસાયટી લિ. નામક સામાજિક સંસ્થાની સ્થાપના કરી. શ્રી બત્રીસી જૈન સમાજના લગભગ બધા પરિવારો આ સંસ્થામાં નોધાયેલ સભ્યો રૂપે સંગઠિત થતા રહ્યા છે. જૈન સમુદાયના તથા અમદાવાદ શહેરના એક પ્રગતિશીલ સમાજ તરીકે શ્રી બત્રીસી જૈન સમાજની ગણના થાય છે. તેના દસકા બાદ સમાજના નવયુવાનોએ તે સમયના આઝાદ ભારતને વિકસિત બનાવવાના મનોરથ સાથે પોતાના સમાજમાં પણ પરોપકારી પ્રવૃતિઓ, સમાજના બાંધવોને સહયોગી થવાય તેવા આશયથી ૧૬ સપ્ટેમ્બર ૧૯૫૬ના રોજ શ્રી બત્રીસી જૈન યુવક સંઘની સ્થાપના કરી અને સમાજ સેવાની એક જ્યોત પ્રગટાવી જે આજે છ દાયકા બાદ એક દૈદીપ્યમાન દીપ રૂપે સમાજ સેવાનો અવિરત પ્રયાસ કરી રહેલ છે.  હાલમાં જ આ સંસ્થા જાહેર ટ્રસ્ટના કાયદા મુજબ નોંધણી કરાવી શ્રી બત્રીસી જૈન યુવક સંઘ ટ્રસ્ટ, અમદાવાદના નામથી વધુ પ્રવૃત થવા ઉત્સાહિત બની છે.


          અમદાવાદથી મુંબાઈ શહેરમાં સ્થાઈ થયેલ બત્રીસી સમાજના પરિવારો સને ૧૯૭૧થી  શ્રી મુંબાઈ જૈન બત્રીસી મંડળ સ્થાપીને વિવિધ સામાજિક પ્રવૃતિઓ કરી રહેલ છે. સને ૧૯૮૦-૯૦ના સમયગાળા દરમ્યાન સમાજના સાધર્મિક બંધુઓને જીવન નિર્વાહમાં પડતી મુશ્કેલીઓમાં સહાયરૂપ થવાના આશયથી શ્રી આનંદ કલ્યાણ નિધિ ટ્રસ્ટની સ્થાપના તત્કાલીન વડીલ- મુરબ્બીઓએ કરેલ જે આજે વટવૃક્ષ સમાન ઉપયોગી બની રહેલ છે. પરિવર્તનને પારખી દીર્ગદ્રષ્ટિ વાળા સમાજ આગેવાનો, યુવાનો અને દાતાઓએ એકઠા મળી સને ૧૯૮૮થી જ્ઞાતિ રીવાજોના બોજા તળે પીસાતા સમાજના પરિવારો માટે સમૂહ લગ્નોત્સવ પ્રસંગોનો પ્રારંભ કરાવ્યો. આજ પર્યંત સફળતાપૂર્વક સમૂહ લગ્નોત્સવ સમિતિના નેજા તળે ૩૩ સમૂહ લગ્નોત્સવ સંપન્ન કરાવી શકાયા છે.


          સને ૧૯૯૦થી સમાજની મહિલાઓએ પણ શ્રી બત્રીસી જૈન મહિલા ઉત્કર્ષ મંડળ હેઠળ સંગઠિત બની સ્વરોજગાર, સ્વાવલંબી બનવા પ્રયાસશીલ છે. સને ૧૯૯૩થી સમાજનું પ્રથમ મુખપત્ર “બત્રીસી વર્તમાન” નામથી બહાર પાડવાનો શ્રેય પણ બત્રીસી જૈન સમાજના યુવકો અને તેઓના યુવા નેતાઓને ફાળે છે, હાલમાં “ભાતૃભાવ” નામક સમાજનું એક માત્ર મુખપત્ર પ્રસિદ્ધ થાય છે જે સમાજની લોકપ્રિય ઉપયોગી કલ્યાણકારી યોજના ચલાવતી સંસ્થા “BJSSY” - “બત્રીસી જૈન સામાજિક સુરક્ષા યોજના” વડે સંચાલિત છે. સમાજના યુવકો માટે ગૌરવની વાત એ છે કે સને ૨૦૦૦ની સાલમાં સ્થપાયેલ “BJSSY” સમાજના તત્કાલીન યુવા આગેવાનની રાહબરીમાં યુવાનોના દ્રઢ સંકલ્પ, દીર્ગદ્રષ્ટિ અને આગેવાની સાથે, અને કાર્યકરોના અથાક પુરુષાર્થથી શક્ય બનેલ. બત્રીસી જૈન સામાજિક સુરક્ષા યોજના આ બે દાયકામાં જૈન સમાજ અને અન્ય સમાજો માટે અનુસરવા લાયક પ્રેરક યોજના પુરવાર થઇ રહી છે. સમાજની કોઈ એવી પ્રવૃતિઓ એવી નહિ હોય કે જેમાં સમાજના યુવા કાર્યકરોના તન, મન અને ધનથી હિસ્સેદારી ના હોય.


        સમાજની વિવિધ પ્રવૃતિઓ, સંસ્થાકીય કામગીરીના બહોળા અનુભવોથી સજ્જ થયેલ યુવાઓ, સમાજ સેવીઓએ સમાજના દાતાઓ અને વિશાળ લોક્સમુહના સહયોગથી ૨૧મી સદીને અનુરૂપ બત્રીસી સમાજને એક નવી ઓળખ આપવા, સાચા અર્થમાં “ગ્રેટર બત્રીસી જૈન સમાજ” (બૃહદ્દ બત્રીસી જૈન સમાજ) તરીકે પ્રસ્થાપિત કરવાના ધ્યેયથી “ગ્રેટર બત્રીસી જૈન કલ્ચરલ અને સોશ્યલ ટ્રસ્ટ” (બત્રીસી જૈન સોશ્યલ ગ્રુપ) નામક સંસ્થા તળે સને ૨૦૧૭થી સક્રિય ભૂમિકા બજાવી રહેલ છે. નવી પેઢીના યુવાઓ અને બાળકોને સમાજના સાંસ્કૃતિક વારસાથી માહિતગાર કરવા, તેઓને સમાજની પ્રવૃતિઓ સાથે જોડવા અને તેઓના ઉત્કર્ષમાં માર્ગદર્શક, સહાયક અને સાથીદાર બનવા સતત અનેકવિધ પ્રવૃતિઓથી સતત કાર્યરત છે.


          દેશની સ્વાતંત્ર્ય પ્રાપ્તિ કાજેની લડત હોય કે ધર્મ ક્ષેત્ર, વેપાર- વ્યવસાયિક ક્ષેત્ર, શિક્ષણ- સાહિત્ય ક્ષેત્ર, રાજકીય- સામાજિક ક્ષેત્ર, સ્વાસ્થ્ય ક્ષેત્ર, રમત- કળા ક્ષેત્ર, સાંસ્કૃતિક ક્ષેત્ર સહિતના અનેકવિધ ક્ષેત્રોમાં અનેકાનેક બહુમુખી પ્રતિભા ધરાવતા બત્રીસી જૈન સમાજના વ્યક્તિઓ વડે અમુલ્ય યોગદાન અર્પણ થયેલ છે જેના થકી તે ક્ષેત્રો ગૌરાન્વિત થયેલ છે અને તેથી જ કહેવાય છે કે “બત્રીસ લક્ષણા નરરત્નોની ખાણ એટલે બત્રીસી જૈન સમાજ”.......


                                                    લેખન- સંકલન: ધનેન્દ્ર અંબાલાલ શાહ